Michael Kaplan Interview
માઈક્રોસોફ્ટના માઈકલ કપલાન, ભાષા કોમ્પ્યુટિંગ વિશે
ભલે વિદેશી હોય અને ભારતીય ભાષામાં વાત કરી શકતા ન હોય, પણ ભારતની ભાષાઓની લિપિ અને ફોન્ટ્સ વિશે તેમનું જ્ઞાન અતિ ઊંડું અને અનોખું છે. તેઓ છે, માઈકલ કપલાન, માઈક્રોસોફ્ટ કોર્પોરેશનની વર્લ્ડ રેડીનેસ ટીમના પ્રોગ્રામ મેનેજર. તેઓ ભારતીય ભાષા કોમ્પ્યુટિંગ સાથે એક દાયકાથી પણ વધુ સમયથી સંકળાયેલા છે. ભારત અને દુનિયાભરની કોન્ફરન્સમાં તેમણે વક્તવ્ય પણ આપ્યું છે અને આંતરરાષ્ટ્રીય અને પ્રાદેશિક ભાષાના વિષયો પર તેમણે ઘણી બધી તાલીમો હાથ ધરી છે. કોઈમ્બતુર ખાતે યોજાયેલી તમિલ ઈન્ટરનેટ કોન્ફરન્સમાં હાજરી આપવા માટે તેઓ તાજેતરમાં મુલાકાતે આવ્યા હતા. તેમની સાથે ભારતીય ભાષા કોમ્પ્યુટિંગ અને પ્રાદેશિક ભાષાઓ વિશે વાત કરવાની વિરલ તક ભાષાઈન્ડીયાને મળી હતી. ભાષાઈન્ડીયાએ તેમની સાથે લીધેલી મુલાકાતનાં કેટલાંક અંશ અહીં રજૂ કરીએ છીએ.
માઈકલ, આપની સાથે આ મુલાકાત લેવા બદલ અમને ઘણો આનંદ થાય છે! ભારતીય ભાષા કોમ્પ્યુટિંગમાં રસ ધરાવનાર કોઈ પણ વ્યક્તિએ તમારો બ્લોગ 'સોરટીંગ ઈટ ઓલ આઉટ (અસ્પષ્ટ કાર્યક્ષમતા પર માઈકલ કપલાનની કેટલીક સામગ્રી)' ન વાંચ્યો હોય, તેવું બને નહીં. શું તમે અમને ભારતીય ભાષાઓ અને લિપિઓ સાથે તમારો સબંધ જણાવશો?
મને તો બધીજ ભાષાઓ અને લિપિઓ ખૂબ ગમે છે. હું ભારતીય ભાષાઓ વાંચી શકતો નથી, છતાં પણ ઘણી ભારતીય ભાષાઓની યુનિકોડ પ્રોપરટીઝ પર મેં ખાસ્સું સંશોધન -રિસર્ચ કર્યું છે. ભારતીય ભાષાઓની લિપિ પ્રત્યેના પ્રેમને કારણે હું ભારતની ભાષાઓના વિદ્વાનો સાથે વાતચીત કરતો હતો. INFITT સાથેનો મારો સંપર્ક પણ કંઈક આમ જ થયો છે.
INFITT એ પ્રથમ વૈશ્વિક સંસ્થા છે કે જેને, જે લોકો તમિલ કોમ્પ્યુટિંગ અને તમિલ ઈન્ટરનેટના વિકાસ અને ઉપયોગ માટે ચિંતિત છે, તેવા સરકાર, કોર્પોરેશનો, રસ ધરાવનાર જૂથો અને વ્યક્તિઓના પ્રતિનિધિત્વરૂપ સ્થાપવામાં આવી છે. યુનિકોડ કન્સોર્ટિઅમ INFITT ને તમિલ આઈ.ટી. વિશ્વનું એક મહત્ત્વનું અંગ ગણે છે અને મને કહેતા ખુશી થાય છે કે યુનિકોડ કન્સોર્ટિઅમ સાથે INFITT ના સૂચનોને અમલમાં મૂકવા માટે હું સાધનરૂપ રહ્યો હતો.
હું માઈક્રોસોફ્ટની વર્લ્ડ રેડીનેસ ટીમ સાથે છું, જે દુનિયાભરની ભાષાઓ માટે થતાં કોમ્પ્યુટિંગ પ્રયત્નો અંગે વહેવાર કરે છે. માઈક્રોસોફ્ટ ખાતે અમે અમારા ઉત્પાદનોને પ્રાદેશિક ભાષામાં આપી અને તેને આમજનતા સુધી પહોંચાડવા ઉત્સુક છીએ. અમે જાણીએ છીએ કે દુનિયાભરનો મોટા ભાગનો જનસમુદાય વાતચીત કરવા માટે અંગ્રેજી ભાષાનો ઉપયોગ નથી કરતો. તેમાં ભારત પણ અપવાદ નથી, તેથી માઈક્રોસોફ્ટના પ્રયત્નો પ્રાદેશિક ભાષા માટેના રહ્યાં છે. એ એક રસપ્રદ હકીકત છે કે ભારતીય ભાષાઓ માટે યુનિકોડ ફોન્ટ્સને માન્ય રાખવાની સૌ પ્રથમ પહેલ માઈક્રોસોફ્ટે જ કરી હતી.
હવે તો પ્રાદેશિક ભાષાઓનો યુગ આવી જ ગયો છે. હવે કંપનીઓ પોતાનાં ઉત્પાદનોને પ્રાદેશિક ભાષાઓમાં આપવા માટે વિશેષ તત્પર રહેતી હોય છે. માઈક્રોસોફ્ટ પણ પોતાનાં ઉત્પાદનોને પ્રાદેશિક ભાષાઓમાં આપવા માટે મહત્ત્મ પગલાં લઈ રહી છે. તો ભાષા કોમ્પ્યુટિંગના પ્રયત્નો અને પ્રાદેશિક ભાષાઓ માટેના તબક્કામાં તમે ભારતને એકંદરે કઈ રીતે જોઈ શકો છો ?
અંગ્રેજીભાષી ન હોય, તે લોકોને માટે કોમ્પ્યુટર પરની અંગ્રેજી ભાષા એક મોટું બંધન હોય છે. ભારતના મોટાભાગના લોકો અંગ્રેજી જાણતા નથી હોતા અને તેથી તેઓ કોમ્પ્યુટરના ઉપયોગના લાભથી વંચિત છે. એ અમારી ફરજ છે કે તેમને કોમ્પ્યુટરના સાધનો વાપરતાં કરવાં અને તેમને કોમ્પ્યુટરના ઉપયોગથી લાભ અપાવવો.
કેન્દ્ર અને રાજ્ય સરકારોએ, માઈક્રોસોફ્ટ જેવી કંપનીઓએ અને અન્ય વ્યક્તિઓએ આ પરિસ્થિતિ સુધારવા ઘણાં પ્રયત્નો કર્યાં છે. હવે આપણી પાસે ભાષાઓ માટે ઘણું ઉપલબ્ધ છે. હવે ઉપકરણો પણ ભાષાને આધાર આપે છે. ઘણાં ઉત્પાદનોના ઈન્ટરફેસ ભાષાઓમાં ઉપલબ્ધ હોય છે. માઈક્રોસોફ્ટે મોટા ભાગની ભારતીય ભાષાઓ માટે લેન્ગ્વેજ ઈન્ટરફેસ પેક (LIPs) બહાર પાડ્યાં છે.
મારે તમને એક બહુ અલગ પ્રકારનું નિરીક્ષણ આપવું છે. હું જ્યારે પણ વિદ્યાર્થીઓ અથવા વ્યવસાયકારોને મળું, ત્યારે હું તેમને કેટલાંક પ્રશ્નો પૂછતો - 'તમને તમારી ભાષામાં ટાઈપ કરવાનું આવડે છે? શું તમે સોફ્ટવેર ઉત્પાદનોના તમારી ભાષાનાં વર્ઝન વાપર્યાં છે?’ મોટાભાગે તેમનો જવાબ એક મોટી 'ના' માં જ મળતો!
આ જણાવે છે કે આપણે ભાષા કોમ્પ્યુટિંગ માટે તૈયાર જ નથી. પછી માઈક્રોસોફ્ટ હોય કે બીજી કોઈ પણ કંપની હોય, તેઓ તેમનાં ઉત્પાદનોને ભાષાઓમાં બનાવીને બજારમાં મૂકવા માટે અઢળક નાણાં ખર્ચે છે. તેમણે એ જોવું જોઈએ કે પ્રાદેશિક ભાષાઓનાં તેમનાં ઉત્પાદનો લોકો વાપરતા થાય. તેઓ ઈચ્છે છે કે લોકો તેમને તેમનાં ઉત્પાદનો અંગે પ્રતિસાદ આપે કે જેથી તેઓ પછીથી તેની સુધારણા કરી શકે. પરંતુ, કમનસીબે આવું બનતું નથી. હું ઈચ્છું છું કે અમારી પાસે જે છે, તેનો લોકો વધારે ઉપયોગ કરે અને અમને તે અંગેની માહિતી આપે.
તો આનું કારણ શું હોઈ શકે? આ સમસ્યા આપણે કેવી રીતે હલ કરી શકીએ અને આમજનતાને કોમ્પ્યુટરથી થતાં લાભ કેવી રીતે ઉપલબ્ધ કરાવી શકીએ?
આજના જમાનામાં, કોમ્પ્યુટર યુઝર્સને વધારે જાણકારી અને તકો મેળવવાનું શક્ય અંગ્રેજી બનાવે છે. જે લોકો પોતાની પ્રાદેશિક ભાષામાં લખી, વાંચી અને બોલી શકતા હોય છે, અને જેમણે ખપપૂરતું અંગ્રેજી જાણી લીધું હોય છે, તેઓ લેન્ગવેજ કોમ્પ્યુટિંગ માટે સૌ પહેલાં તૈયાર હોય છે. તેમણે મોટી ભૂમિકા ભજવવાની છે. લેન્ગવેજ કોમ્પ્યુટિંગને વિકસાવવામાં તેઓ આગળ પડતો ભાગ ભજવી શકે છે.
જ્યારે લોકો કોમ્પ્યુટરના સ્ક્રીન પર પોતાની ભાષા જુએ છે, ત્યારે તેઓ સતેજ થઈ જાય છે અને તેમને તેમાં ઘણું કરવાની ઈચ્છા થઈ આવે છે. પરંતુ કોમ્પ્યુટર પર ભાષા વાપરવી એ જરા અઘરું હોય છે. કોમ્પ્યુટર પર જો પોતાની ભાષા સાહજિક રીતે ન વાપરી શકાય, તો તેવી અઘરી કોમ્પ્યુટર ચીજોને દૂર કરવી, એ દરેક યુઝર માટે જરૂરી બની જાય છે.
તમે પ્રાદેશિક ભાષા અને ભાષા કોમ્પ્યુટિંગના ક્ષેત્રમાંથી આવો છો, તો ભારતીય ભાષાઓ માટે, પ્રાદેશિક ભાષામાં બનાવાતા ઉત્પાદનો માટે તમારે શાનો સામનો કરવો પડતો હોય છે? શું તમે અમને પ્રાદેશિક ભાષા માટેના સોફ્ટવેર બનાવવાની પ્રક્રિયા વિશે જણાવી શકશો?
પ્રાદેશિક ભાષા માટે ઉત્પાદન એટલે તે ઉત્પાદન અથવા સેવાની અનુરૂપતા અને તે પ્રદેશની સંસ્કૃતિને અનુરૂપ તેનું દસ્તાવેજીકરણ. જ્યારે ઉત્પાદન તૈયાર થઈ જાય, ત્યારે અમે પ્રાદેશિક ભાષાને માત્ર જોવા માટે તૈયાર કરીએ છીએ, જેને સ્યુડો લોકલાઈઝેશન કહેવાય છે અને સોફ્ટવેરને ઝીણવટભરી રીતે ચકાસવાની તે એવી પ્રક્રિયા છે કે જેમાં આંતરરાષ્ટ્રીયતાના પાસાને લઈને સોફ્ટવેરને ચકાસાય છે. તેની ચકાસણી કરનાર UI (યુઝર ઈન્ટરફેસ)ના દરેક ઘટકને બારીકાઈથી તપાસે છે કે જે કંઈ દેખાય છે, તે બધું બરોબર રીતે દર્શાવાતું હોવું જોઈએ.
એક એપ્લીકેશનને પ્રાદેશિક ભાષામાં તૈયાર કરવા માટે કેરેક્ટર સેટ્સની પાયાની સમજ તેમજ તેની સાથે સંકળાયેલા પરિણામોની સમજ હોવી જરૂરી છે. પ્રાદેશિક ભાષામાં તૈયાર કરવા માટે એપ્લીકેશનના યુઝર ઈન્ટરફેસનો અનુવાદ હોવો જરૂરી છે, તથા કોઈ વિશેષ પ્રદેશ માટે ચિત્રની પણ જરૂર હોઈ શકે છે. પ્રાદેશિક ભાષામાં તૈયાર કરવા માટે એપ્લીકેશનના સહાય વિભાગનો અનુવાદ હોવો પણ જરૂરી છે.
કોઈ પણ ઉત્પાદનને ભારતીય ભાષાની પ્રાદેશિક ભાષામાં તૈયાર કરવા જઈએ ત્યારે અમારી સમક્ષ સૌથી મોટી સમસ્યા એ હોય છે કે અક્ષર માટે જગ્યા ઘણી વધારે જોઈતી હોય છે. એક અંગ્રેજી વાક્ય વધુ જગ્યા નથી રોકતું. પણ, જ્યારે તેનો અનુવાદ ભારતીય ભાષામાં થાય છે, ત્યારે વાક્ય લાંબુ થઈ ગયું હોય છે. આ પરિણામની સમસ્યા ઉત્પાદન સમયે જ હલ કરવી જોઈએ.
બીજી મોટી સમસ્યા છે, પ્રાદેશિક ભાષાના ઉત્પાદનની ગુણવત્તા. અમે માઈક્રોસોફ્ટમાં સારામાં સારી ગુણવત્તાવાળા અનુવાદ મેળવવા માટે ખૂબ મથીએ છીએ.
ભાષાના વિદ્વાનો અને કોમ્પ્યુટરના વિદ્વાનો તરફથી યુનિકોડની ગુણવત્તા બાબતે ઘણી ફરિયાદ આવતી હોય છે. યુનિકોડ અને ઈન્પુટ મેથડ સાથે ખૂબ્જ નજીકથી સંકળાયેલા હોવાથી તમે આ ફરિયાદોને કઈ રીતે લો છો?
હા, યુનિકોડ ગુણવત્તા માટે લોકો તરફથી ફરિયાદો આવતી હોય છે. કેટલાંક સવાલો તો છે જ. યુનિકોડ કંઈ સંપૂર્ણ તો નથી જ. પણ, મને લાગે છે કે મારે આ સવાલો માટે કોઈના પર દોષારોપણ ન કરવું જોઈએ. જ્યારે વ્યવહારનો દોર બરોબર ન હોય, ત્યારે સમસ્યાઓ ઊભી થાય છે. મારી દ્રઢ માન્યતા એ છે કે બિનજરૂરી લડાઈઝઘડા અને જલદ વાદવિવાદથી લેન્ગવેજ કોમ્પ્યુટિંગનો વિકાસ ધીમો પડી જ્શે.
હું એમ સૂચવું છું કે ભાષાવિદોએ યુનિકોડ કન્સોર્ટિઅમ સાથે વાતચીતનો યોગ્ય વ્યવહાર ચાલુ રાખવો જોઈએ કે જેથી પ્રસ્તુત મુદ્દાઓનું નિરાકરણ કરી શકાય.
મહેરબાની કરીને શું તમે અમને માઈક્રોસોફ્ટ ભાષા કોમ્પ્યુટિંગના ભારત માટેના પ્રયાસો વિશે કહી શકશો?
માઈક્રોસોફ્ટ ઈન્ડીયા ભારતમાં લેન્ગવેજ કોમ્પ્યુટિંગ પર સન 1998થી કામ કરે છે. માઈક્રોસોફ્ટના ચેરમેન બીલ ગેટ્સની મુલાકાતથી આની શરૂઆત થઈ અને ત્યારે એ જાણવામાં આવ્યું કે ભારતમાં આઈ.ટી. ક્રાન્તિ આણવા માટે પ્રાદેશિક ભાષા એ મુખ્ય મુદ્દો હતો.
33 ભાષાઓથી અને 1652 બોલીઓથી ય વધુ ધરાવતો આ દેશ, ભાષા તેમજ સંસ્કૃતિની દ્રષ્ટિએ વૈવિધ્ય ધરાવે છે. 95% લોકો પોતાની પ્રાદેશિક ભાષામાં કાર્ય કરવાનું પસંદ કરે છે. માત્ર 5% લોકો અંગ્રેજી જાણે છે. ભાષાની અલગતાથી કોમ્પ્યુટરને પણ સહન કરવું પડે છે. આ ગાળો ટૂંકો કરવા કંપની 1 989થી કાર્ય કરે છે કે જેથી ભાષાને કારણે કોઈ અંતરાય ન આવે.
અત્યાર સુધીમાં ભારતીય બજાર માટે જરૂરિયાત પ્રમાણે, કસ્ટમ-મેડ, ઉત્પાદનો બનાવ્યાં છે. માઈક્રોસોફ્ટે તેના સતત પ્રયાસરૂપે, તેના મુખ્ય ઉત્પાદનોને પ્રાદેશિક ભાષામાં તૈયાર કર્યાં છે.
માઈક્રોસોફ્ટે ઈન્પુટ ટૂલ બનાવ્યું છે, (ઈન્ડીક લેન્ગવેજ ઈન્પુટ ઈન્પુટ ટૂલ) કે જેનાથી ભારતીય ભાષામાં કોમ્પ્યુટર પર લખી શકાય્ય છે. લેન્ગવેજ ઈન્ટરફેસ પેક્સ (LIP)આજે ભારતની 12 ભાષાઓમાં ઉપલબ્ધ છે. માઈક્રોસોફ્ટનું બ્રાઉઝર, ઈન્ટરનેટ એક્સપ્લોરર` ભારતની મોટાભાગની ભાષાઓમાં તૈયાર થઈ ચૂક્યું છે.
અમે જાણીએ છે કે તમે માઈક્રોસોફ્ટના "અત્યંત ઉમદા વ્યક્તિ -મોસ્ટ વેલ્યુડ પ્રોફેશનલ" (MVP) ગણાતા હતા. શું તમે અમને એ વિશે કંઈક કહી શકો?
હા, હું પહેલાં મોસ્ટ વેલ્યુડ પ્રોફેશનલ હતો. જ્યારે માઈક્રોસોફ્ટ કોમ્યુસર્વ એક્સેસ ફોરમનો ખર્ચ ઉઠાવતું હતું, ત્યારે હું તેમાં ઘણો સમય વીતાવતો હતો. એક MVP ને વિશેષ હક રહેતો, ખાસ કરીને માઈક્રોસોફ્ટના સૌથી અદ્યતન ઉત્પાદનો પર, કે જેનાથી તેને સૌથી અદ્યતન ટેકનોલોજીનો સ્વાદ બીજાં લોકો કરતાં પહેલેથી જ ચાખવાનો મળી જતો હોય છે.
MVP મોભો હોવો એટલે માઈક્રોસોફ્ટના સમાચાર, સોફ્ટવેરની રિલીઝ કરતાં પહેલાની જાણકારી અને ટેકનીકલ નોલેજબેઝ, જ્ઞાનભંડાર મળી જાય. MVP હોવાથી તમે માઈક્રોસોફ્ટમાં એવાં લોકોને મળી શકતો કે જે તમને કામમાં સહાય કરે. દરેક MVP એ તેનું જ્ઞાન આપવા તૈયાર રહેવું જ જોઈએ. MVP પાસેથી ખૂબજ સંશોધન અને ખૂબજ કામની અપેક્ષા રાખવામાં આવે છે. મારા MVP દિવસો મારા માટે ખુશીના હતા. પછી જ્યારે માઈક્રોસોફ્ટે કામ માટે ઓફર આપી, કે ત્યારે મેં MVP નો દરજ્જો પાછો આપ્યો.
તમે કોઈમ્બતુર ખાતે યોજાયેલી તમિલ ઈન્ટરનેટ કોન્ફરન્સમાં અધિકૃત આમંત્રિત હતા. તમને ભારત કેવું લાગ્યું? શું તમે અમને તમિલ ઈન્ટરનેટ કોન્ફરન્સમાના તમારા અનુભવો જણાવશો?
અનુભવ ખૂબ સરસ રહ્યો. મેં બે પેપર્સ રજૂ કર્યાં. મને ભારત ખૂબજ ગમે છે અને તેની સાંસ્કૃતિક વૈવિધ્ય મને બહુ ગમે છે. સાચું કહું તો આ મારી ભારતની બીજી મુલાકાત છે. હું કોઈમ્બતુરમાં ભાષાના વિદ્વાનો અને કોમ્પ્યુટિંગ વ્યવસાયકારોને મળી શક્યો. સાચું કહું તો તમિલ સરકાર તરફથી મને નોકરી વિશે કહેવામાં પણ આવ્યું હતું. (હાસ્ય) તે યાદગાર રહી જશે. મને ભારતમાં રહેવું બહુ ગમે છે. પરંતુ માઈક્રોસોફ્ટના તબક્કાઓ માટે મારે ઘણાં પ્રયત્નો કરવાના છે.
ભાષાઈન્ડિયાના પ્રયત્નો તમને કેવા લાગે છે?
મારા માનવા પ્રમાણે ભારતીય ભાષા કોમ્પ્યુટિંગ અને પ્રાદેશિક ક્ષેત્રે કાર્ય કરી રહેલ ભાષાઈન્ડીયા એક વિશેષ ઉમદા 'પોર્ટલ' છે. હું તેની મુલાકાત વારંવાર લેતો હોઉં છું. પ્રાદેશિક ભાષા કોમ્પ્યુટિંગ માટે તે જાગૃતતા જગાવે છે. તે જોઈને આનંદ થયો! જોકે અહીં મારું એક સૂચન છે. અમે માઈક્રોસોફ્ટ ખાતે, અમારા ઉત્પાદનો પરનાં યુઝર પ્રતિસાદ -ફીડબેક માટે તરસીએ છીએ. ભાષાઈન્ડીયા એક અરસપરસ વ્યવહારની ગોઠવણ કરીને MS ઉત્પાદનો પ્રત્યેના યુઝર પ્રતિસાદ -ફીડબેકનો સમાવેશ કરી શકે છે. જોકે, ભાષાઈન્ડીયાના પ્રયત્નો બહુમૂલ્ય છે. ભારતીય ભાષા કોમ્પ્યુટિંગ માટે મ આર્ગદર્શક બનીને ભાષાઈન્ડીયા સફળતા પ્રાપ્ત કરે તેવું હું ઈચ્છું છું.